જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ફાટક પર 4 વર્ષથી નિર્માણધીન ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ જતા આજે દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેતપુરવાસીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. 6 વર્ષની લાંબી રાહ જોયા બાદ 55 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફ્લાયઓવર લોકો માટે ખુલ્લો મુકાયો છે.
વાહનચાલકોને 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું
જેતપુર શહેરના ધોરાજી રોડ પર વર્ષ 2019થી રેલ્વે પર ફ્લાયઓવરના કામના કારણસર રેલ્વે ફાટક ભારે વાહનો માટે બંધ કરવામાં આવી હતી. એટલે છેલ્લા 6 વર્ષથી એસટી બસ, ટ્રક, ટેન્કરો તેમજ અન્ય ભારે વાહનોને ધોરાજી બાજુ જવા માટે નવાગઢથી 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું. જેના કારણે આ વાહનોને કરોડો રૂપિયાનું ઈંધણનો વધારાનો ખર્ચ તેમજ વધારાનો સમયનો માર સહન કરવો પડ્યો હતો. જેમાં આ ફ્લાયઓવરનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેતા 55 કરોડ રૂપિયા જેવી માતબર રકમથી બનેલા આ ફ્લાયઓવર દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાએ શહેરીજનો માટે ખુલ્લો મુક્યો હતો.













