શહેરમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને નિખિલ રાજેશભાઈ ચંદારાણા નામના યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના પહેલા નિખિલે એક વીડિયો પણ ઉતાર્યો હતો અને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે વ્યાજખોરોનો ત્રાસ અને પોલીસ કાર્યવાહી ન થવા અંગેના આક્ષેપો કર્યા છે.


યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

નિખિલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પત્ની પ્રેગનન્ટ હોવાથી પૈસાની જરૂર પડતાં તે નયન, અજીત, હિરેન અને જયદેવ નામના શખ્સોના સંપર્કમાં આવ્યો હતો. નિખિલે આ શખ્સો પાસેથી રૂ.3 લાખ વ્યાજે લીધા હતા. જેની સામે તેણે અત્યાર સુધીમાં રૂ.7 લાખ પરત ચૂકવી દીધા છે. જોકે આટલી રકમ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહીં તેમણે દબાણ કરીને નિખિલની કાર, સ્કૂટર અને આઇફોન પડાવી લીધા હતા.

વ્યાજખોરોએ કાર,સ્કૂટર, આઇફોન પણ પડાવી લીધો

આ પછી પણ ત્રાસ ઓછો ન થતાં વ્યાજખોરોએ નિખિલ અને તેની પત્નીના ફોટા પર બિભત્સ લખાણ લખીને વાયરલ કર્યા હતા. જેનાથી તેમનું ચરિત્ર હનન થયું હતું. આ સમગ્ર ત્રાસ અંગે નિખિલે અગાઉ પોલીસ કમિશનરને અરજી કરીને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જોકે નિખિલના આક્ષેપ મુજબ પોલીસે કોઈ ગુનો દાખલ કર્યો ન હતો. જેનાથી કંટાળીને તેણે અંતે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. પોલીસે હવે આ ગંભીર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: