રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નાનામોવા આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર એક મહિલા નર્સની અત્યંત ગંભીર અને ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જેના કારણે જાહેર આરોગ્ય સેવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ બેદરકારીનો કિસ્સો નાનામોવા ખાતે આવેલા મનપાના આરોગ્ય કેન્દ્રમાં બન્યો હતો. એક મહિલા નર્સ નાના બાળકને ઇન્જેક્શન આપવા જેવી સંવેદનશીલ અને સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય તેવી ફરજ નિભાવી રહી હતી.


નાનામોવાના આરોગ્ય કેન્દ્રમાં નર્સની બેદરકારી

આ દરમિયાન આ મહિલા નર્સ બાળકને ઇન્જેક્શન આપી રહી હતી ત્યારે તે પોતે વીડિયો કોલમાં મશગૂલ હતી. એક તરફ બાળકને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું હોય અને બીજી તરફ નર્સનું ધ્યાન ફોનમાં હોય તે તબીબી વ્યવસાયની નીતિમત્તાની વિરુદ્ધ છે. આ ગંભીર બેદરકારીના કારણે મોટો ખતરો ઊભો થયો છે: જો નર્સનું ધ્યાન ન હોવાને કારણે બાળકને અન્ય દવાનું ઇન્જેક્શન આપી દેવામાં આવે તો? જો ઇન્જેક્શન શરીરના ખોટા ભાગમાં આપી દેવામાં આવે તો? જો આ બેદરકારીના કારણે બાળકને કોઈ ગંભીર હાનિ પહોંચે તો તેની જવાબદારી કોની રહેશે?

બાળકને કોઈ હાનિ પહોંચે તો જવાબદારી કોની?

નાના બાળકોને ઇન્જેક્શન આપતી વખતે તબીબી કર્મચારીએ સંપૂર્ણ સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે તેમની એક નાની ભૂલ પણ બાળકના સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. મનપાના આરોગ્ય કેન્દ્રની આ ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે અને મનપાના ઉચ્ચ અધિકારીઓ આ ઘટના અંગે તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર નર્સ સામે કડક પગલાં લે તેવી માંગણી કરવામાં આવી છે.


  • Follow us on: