રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો કેટલા બુદ્ધિશાળી અને તજજ્ઞો છે તે હોમી દસ્તુર માર્ગ ઉપર બનાવવામાં આવેલ અંડરપાસ સાબિત કરે છે. કેમકે બે વર્ષ પહેલા અહીં 4 કરોડ રૂપિયાના ખર્ચે વાહન ચાલકોને વરસાદી પાણી ભરાવાથી રાહત મળે અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે આધુનિક અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં છેલ્લા 6 મહિનાથી આ અંડરપાસ બની તો ગયું છે પરંતુ તેમાં પાણી નિકાલ માટેની સુવિધા જ ભુલાઈ ગઈ છે.


આધુનિક અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે અંડરપાસ બનાવવાનું આયોજન હોમી દસ્તુર માર્ગ ઉપર કરવામાં આવ્યું હતું. આ દરખાસ્ત વર્ષ 2022-23 માં મંજૂર કરવામાં આવી હતી. તેના માટે કોર્પોરેશને 4 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે. આ અંડરપાસ છેલ્લા 6 મહિનાથી તૈયાર થઈ ગયું છે છતાં પણ તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. કેમકે જે પાણી નિકાલ માટે આ અંડરપાસ બનાવવામાં આવ્યું હતું તે જ પાણી નિકાલ કરવા માટેની સ્ટ્રોંમ વોટર સુવિધા જ ભુલાઈ ગઈ છે અથવા એન્જિનિયરોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે.

અંડરપાસમાં પાણી નિકાલની સુવિધા ભુલાઇ

હોમી દસ્તુર માર્ગ ઉપર બનાવવામાં આવેલ અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને લીધે રેલવેએ હજુ કોર્પોરેશનને આ અંડરપાસ સોપ્યો નથી. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા રેલવે ભૂલ કરી હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરિયા હતા. રેલવે તંત્રને ખો આપી દીધી હતી પરંતુ વાસ્તવમાં રેલ્વે ટ્રેક ઉપર થતા ઓવરબ્રિજ અને રેલવે ટ્રેક નીચે થતા અંડરબ્રિજમાં રેલવે ટ્રેક સુધીના ભાગમાં આવતું જ બાંધકામની જવાબદારી માત્ર રેલવેની હોય છે. તે સિવાયનું તમામ કોર્પોરેશન અથવા જે તે વિભાગને કરવાનું હોય છે. ત્યારે વધુ એક વખત પ્રજાના ટેક્સના પૈસા એન્જિનિયરોની ભૂલના લીધે વેડફાયા છે.


  • Follow us on: