અમદાવાદની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તોની ભીડ દર્શન માટે એકઠી થાય છે. સમગ્ર રથયાત્રાના રૂટમાં ભગવાનની એક ઝાંખી માટે તરસતા ભક્તો ઘણી વાર પોતાના સંતાનનો હાથ છોડી બેસે છે. આ દરમિયાન ભીડમાં નાના બાળકો ખોવાઈ જતાં હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી રથયાત્રામાં પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


AI ટેક્નોલોજીથી સ્માર્ટ મોનિટરિંગ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ગત વર્ષની રથયાત્રામાં અમદાવાદમાંથી 65 બાળકો તેમના પરિવારથી વિખુટા પડ્યા હતાં. પરંતુ પોલીસે તમામ વિખુટા પડેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ વખતની રથયાત્રામાં કોઈ બાળક તેના પરિવારથી વિખુટુ ના પડી જાય તે માટે પોલીસ દ્વારા AI ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. AI ટેક્નોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

બાળકોની સુરક્ષા માટે ખાસ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું

તેમણે વધુમા લખ્યું હતું કે, આ વખતે બાળકોની સુરક્ષા માટે ખાસ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. જેથી ભક્તો આનંદપૂર્વક રથયાત્રાનો આનંદ માણી શકે. મનની શાંતિ સાથેની રથયાત્રાની ઉજવણી કરીએ અને આપણી સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે એ સુનિશ્ચિત કરીએ. રથયાત્રામાં ટ્રકો અને અખાડાનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. 16 કિમી લાંબા રૂટ પર 3D મૅપિંગ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી નિયંત્રણ કરાયું હતું. નાના બાળકો માટે 17 જનસહાયતા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હતાં. સુરક્ષા માટે મહિલા અધિકારીઓ સક્રિય હતી.


  • Follow us on: