ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણના આરંભ સાથે જ શિવાલયોમાં હર..હર..ભોલેનો નાદ જોવા મળ્યો. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ત્યારે પ્રથમ પૂજનીય જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું. સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા લોકો પગપાળા અને દૂર-દૂરથી પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા છે.

સોમવારે મંદિરમાં ઉમટયું ભક્તોનું ઘોડાપૂર
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ સોમનાથ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ભગવાન શિવની ઉપાસના કરનાર ભક્ત અચૂક સોમનાથ મંદિરની મુલાકાત લે છે. આજે શ્રાવણ માસના પહેલા સોમવારે સવારના 4 વાગ્યાથી સોમનાથ મંદિર બહાર ભકતોની લાંબી લાઈન જોવા મળી છે. શ્રાવણમાં શિવ ભગવાનની પૂજા ઉપાસનાનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે 12 જ્યોર્તિલિંગમાંથી કોઈપણ એક જ્યોર્તિંલિંગના આ મહિનામાં દર્શન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. આ મહિનામાં શિવભક્તો મંદિરમાં જઈ શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભોલેનાથના ભક્તો હરિદ્વારથી કાવડ લઈને સોમનાથ પહોંચ્યા.

મંદિરમાં શિવોત્સવ મહોત્સવનું આયોજન
સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિના નિમિત્તે સોમનથમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમરૂપે 30 દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. 25 જુલાઈ, 2025ના શુક્રવારના રોજ આ 30 દિવસીય શિવોત્સવ મહોત્સવનો આરંભ થયો હતો. જયારે આ ઉત્સવની પૂર્ણાહુતિ 21 ઓગસ્ટ, 2025ના રોજ શ્રાવણ વદ અમાસના દિવસે થશે. ભક્તોને સુવિધા મળી રહે માટે આવાસ અને ભોજનની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. શ્રાવણ માસ મહિના સોમનાથ મંદિરમાં ભક્તોમાં શિવભક્તિનો રંગ જોવા મળશે. સોમનાથ મંદિર ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભગવાન શિવના જાપ કરશે.