ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં (MMR) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) 2023 મુજબ ગુજરાતનો માતા મૃત્યુદર પ્રતિ એક લાખ જીવિત જન્મે 51 થયો છે. આ આંકડો દેશના સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં ગુજરાતને પાંચમા ક્રમે મૂકે છે. આ ઘટાડો સુનિશ્ચિત કરવા માટે સરકારે અનેક અસરકારક પગલાં લીધા છે. 


મૃત્યુદરમાં ઘટાડા માટેના મુખ્ય પગલાં

ગુજરાતમાં માતા મૃત્યુદર ઘટાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે સગર્ભાવસ્થાની વહેલી નોંધણી, ચારથી વધુ પૂર્વ પ્રસૂતિ તપાસ (4 ANC), ખિલખિલાટ યોજના, અતિ જોખમી સગર્ભા માતાઓ માટેની યોજના, નમોશ્રી યોજના વગેરે વગેરે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 3.1 અંતર્ગત 2030 સુધીમાં માતા મૃત્યુદર 70થી નીચે લાવવાનું લક્ષ્યાંક હતું. જે ગુજરાતમાં 2023માં જ હાંસલ કરી લેવાયો છે.

સગર્ભા માતાઓની નિયમિત આરોગ્ય સંભાળ 

આ યોજનાઓ દ્વારા ગર્ભાવસ્થાની શરૂઆતથી જ આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ સગર્ભા માતાઓની નિયમિત તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં આ યોજના અંતર્ગત 19.2 લાખ માતાઓ અને 12.5 લાખ નવજાત શિશુઓને લાભ મળ્યો છે. 19 પ્રકારના માપદંડો ધરાવતી માતાઓને રૂ. 15,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે 11 પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ. 12,000ની સહાય ચૂકવવામાં આવે છે.


  • Follow us on: