આર્થિક મુશ્કેલીઓ વચ્ચે કરાટેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 12 ગોલ્ડ મેડલ જીતનાર આરવ રાજપુત યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રોત્સાહનથી તેમણે રાષ્ટ્રીય સ્તરે કુલ 8 અને આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.
પ્રેક્ટિસની સગવડ અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય વગેરે આરવ માટે મદદરુપ બન્યા
સવારે દુકાનમાં ચાદર સંકેલવાની કે એના જેવા અન્ય કામો કરવાના અને સાંજે ક્લાસિસમાં જવાનું, આ નિત્યક્રમમાં પણ આરવના કરાટે પ્રત્યેના રસ અને જુનુનમાં જરા પણ ઉણપ ન આવી. આરવ સતત પ્રેક્ટિસ કરતો અને આજે અનેક મેડલો તેમણે પોતાના નામે કર્યા છે. આરવની આ સફરમાં જ્યારે પણ સરકારની સહાયની જરુર પડી ત્યારે સરકારે તેમના હિસ્સાની ફરજ બજાવી છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત તરફથી કોચિંગ, પ્રેક્ટિસની સગવડ અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય વગેરે આરવ માટે મદદરુપ બન્યા.
આરવ અને તેના જેવા મહેનતું રમતવીરો દેશ-દુનિયામાં નામ બનાવવામાં સફળ રહ્યા છે
આરવના કોચ સુષ્મિત ગોહિલ મુજબ આરવની સફળતા એમની મહેનતનું પરિણામ છે, આરવમાં ભારત માટે કરાટેમાં ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષમતા રહેલી છે. હાલમાં તેઓ આરવને યુનાઇટેડ કિંગ્ડમમાં યોજાનારી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ માટે તૈયાર કરી રહ્યા છે. આમ, ગુજરાત સરકારની ખેલ મહાકુંભ, શકિતદુત અને આવી અનેક યોજનાઓના સહારે આરવ અને તેના જેવા મહેનતું રમતવીરો દેશ-દુનિયામાં નામ બનાવવામાં સફળ રહ્યા છે.