સુરત જિલ્લાના સાયણ-કિમ રોડ પર આવેલી સહારાપાર્ક સોસાયટી નજીક એક ગંભીર આગની ઘટના સામે આવી છે. સોસાયટીમાં પાર્ક કરેલા એક ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે નજીકમાં પાર્ક કરેલી એક કાર પણ તેની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સાયણ વિસ્તારમાં આવેલા CNG પંપની બિલકુલ સામે જ બની હતી, જેના કારણે લોકોમાં વધુ ગભરાહટ ફેલાયો હતો.


સોસાયટીમાં પાર્ક કરેલા ટેમ્પામાં લાગી હતી આગ

આગ સૌથી પહેલા પાર્ક કરેલા ટેમ્પામાં લાગી હતી. ટેમ્પામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેની બાજુમાં પાર્ક કરેલી કારને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. નજીકમાં CNG પંપ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

બાજુંમા પાર્ક કરેલી કાર પણ આગની ચપેટમાં લેવાઈ

ફાયર ફાઇટરોએ ઝડપથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને CNG પંપ તરફ જતી રોકાઈ હતી. જોકે. આ આગના કારણે ટેમ્પો અને કારને મોટું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે પોલીસે અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: