તાજેતરમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને ખેડૂતો વચ્ચે કાકરાપાર નહેરને સમારકામ માટે બંધ રાખવા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે નહેરને 90 દિવસને બદલે માત્ર 60 દિવસ જ બંધ રાખવામાં આવે, જેથી તેમના પાકને પાણી મળી રહે. ખેડૂતોની આ માગણી પાછળનું મુખ્ય કારણ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હતી. જોકે, આ રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો અને મંત્રીએ સ્પષ્ટતા કરી કે નહેર નિર્ધારિત સમય મુજબ 90 દિવસ સુધી બંધ રહેશે.


મંત્રીએ 90 દિવસ બંધ રાખવા પાછળના કારણો સમજાવ્યા

મંત્રી મુકેશ પટેલે ખેડૂતોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને ત્યારબાદ નહેરને 90 દિવસ બંધ રાખવા પાછળના વૈજ્ઞાનિક અને તકનીકી કારણો સમજાવ્યા. તેમણે જણાવ્યું કે, નહેરમાં મોટું સમારકામ ચાલી રહ્યું છે અને જો તે સમયસર પૂર્ણ નહીં થાય તો ભવિષ્યમાં નહેરને મોટું નુકસાન થઈ શકે છે. મંત્રીએ ઉમેર્યું કે, ‘જો નહેરમાં નુકસાન થશે તો તેને રિપેર કરવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે, જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થશે’. તેમણે ખાતરી આપી કે રાત-દિવસ કામ ચલાવવામાં આવે તો પણ 90 દિવસનો સમય તો લાગશે જ.

ખેડૂતોએ સહયોગ આપવા અપીલ

બેઠકના અંતે મંત્રી મુકેશ પટેલે ખેડૂતોને આ કામગીરીમાં સહયોગ આપવા વિનંતી કરી. તેમણે સમજાવ્યું કે આ લાંબાગાળાનું સમારકામ ખેડૂતોના જ ભલા માટે છે, જેથી ભવિષ્યમાં સિંચાઈ માટે પાણીનો પુરવઠો સરળતાથી મળી રહે. જો નહેરનું કામ અધૂરું રહે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ બેઠકથી સ્પષ્ટ થયું છે કે સરકાર નહેરના સમારકામને લઈ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને ખેડૂતોને પણ આ સ્થિતિનો સ્વીકાર કરવા માટે સમજાવવામાં આવ્યા છે.



  • Follow us on: