સુરતમા છેલ્લા 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો છે, પુણા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘુસતા રોષ જોવા મળ્યો છે. થોડીક જ વારમાં સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન પહેલેથી જ પાણીમાં ગયો છે.


ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

સુરતમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં 3-3 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુણા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘુસતા રોષ જોવા મળ્યો છે. લોકોની હાલાકી જોઈને વિપક્ષ નેતા પાયલ સાકરીયા સાથે સ્થાનિકોના ધરણાં પર બેઠા છે. સ્થાનિકો દ્વારા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણાંની ચીમકી ઉચ્ચારી છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ સુધી અહીં કેટલી હાલાકી છે તે જોવા પણ નથી આવ્યા.લોકોનું કહેવું છે કે સવારથી બાળકો પણ ભૂખ્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયું હોવાથી જમવાનું બન્યું નથી .

 સુરત શહેરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો

બીજી તરફ વરસાદના કારણે રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના જુદાજુદા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં 6.50 ઇંચ, પલસાણામાં 5.39 ઇંચ, બારડોલીમાં 4.09 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, માંડવીમાં 2.76 ઇંચ, માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાશીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે.


  • Follow us on: