સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હલચલ મચાવતી ઘટનામાં સુમુલ ડેરીમાં કથિત ગેરરીતિઓ મામલે આખરે તપાસના આદેશ જરી કરવામાં આવ્યા છે. સહકારી રજિસ્ટ્રાર દ્વારા કલમ 86 હેઠળ આ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ચેરમેન રાજુ પાઠક અને અન્ય સભ્યો માનસિંહ પટેલ અને જયેશ દેલાડ સહિતના આગેવાનોના કાર્યકાળ (2015-2020) દરમિયાન લેવાયેલા નિર્ણયોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
સુરતની સુમુલ ડેરીમાં ગેરરીતિ મુદ્દે તપાસના આદેશ
સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુ પાલકો માટે જીવનદોરી સમાન ગણાતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ વિવાદો મુખ્યત્વે વહીવટી અને નાણાકીય ગેરરીતિઓને લગતા છે. અગાઉ, કેટલાક સભ્યો અને આગેવાનો દ્વારા આ ગેરરીતિઓ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે આખરે સરકારે આ મામલે ગંભીરતા દાખવી છે. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ 2015 થી 2020 ના સમયગાળા દરમિયાન ડેરીના સંચાલનમાં થયેલા શંકાસ્પદ નિર્ણયોની વિગતવાર છણાવટ કરવાનો છે.
રાજુ પાઠકના સમયમાં થયેલી ગેરરીતિ મુદ્દે તપાસ
આમાં નાણાકીય વ્યવહારો, ટેન્ડર પ્રક્રિયાઓ, નિમણૂકો અને અન્ય વહીવટી નિર્ણયોનો સમાવેશ થાય છે. આ આદેશ બાદ નવસારીના રજિસ્ટ્રારને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને નિર્ધારિત સમયગાળામાં તપાસ પૂર્ણ કરીને અહેવાલ સુપરત કરવા જણાવાયું છે. આ ઘટનાથી સુરત અને તાપી જિલ્લાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. પૂર્વ ચેરમેન રાજુ પાઠક અને તેમના સમર્થકો માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે જ્યારે વિરોધી જૂથ આ નિર્ણયને સત્યની જીત ગણાવી રહ્યું છે. આ તપાસના પરિણામો ભવિષ્યમાં સુમુલ ડેરીના રાજકારણ અને વહીવટ પર મોટી અસર કરી શકે છે. ખેડૂતો અને પશુપાલકોની નજર હવે આ તપાસના પરિણામો પર ટકેલી છે.