સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર ચાલુ વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાઇવે પર કામરેજ સરહદના વાવ ગામ નજીકથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. જોકે, સદ્નસીબે કાર ચાલકની સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.


હાઇવે પર કાર બની અગનગોળો

મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની કાર લઈને નેશનલ હાઇવે-48 પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કામરેજના વાવ ગામના પાટિયા નજીક કારના એન્જિનમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ કારમાં બોનેટના ભાગેથી ભયાનક આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અકબંધ કારણોસર કારમાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમયસર બહાર નીકળતા યુવકનો આબાદ બચાવ

કારના બોનેટમાંથી ધુમાડા નીકળતા જોઈ કાર ચાલક યુવકે તરત જ સમયસૂચકતા વાપરી હતી. તેણે ગાડીને હાઇવેની સાઇડમાં થોભાવી દીધી હતી અને ત્વરિત વેગે કારનો દરવાજો ખોલીને બહાર કૂદી ગયો હતો. યુવક બહાર નીકળ્યો તેના ગણતરીના સેકન્ડોમાં જ આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી. જો યુવક સમયસર બહાર ન નીકળ્યો હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકત.

ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

હાઇવે પર ચાલુ કાર ભડભડ સળગવા લાગતા રોડની બંને તરફનો ટ્રાફિક થંભી ગયો હતો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ વોટર ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કારનો મોટોભાગ બળીને ખાખ થઈ ગયો હતો.


આ પણ વાંચો - Surat News: NH-48 પર કાળજું કંપાવનારો અકસ્માત: કિમ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર


  • Follow us on: