ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના અગ્રવાલ સ્કૂલ ખાતે આજે યોજાયેલી પ્રતિષ્ઠિત ખાટુ શ્યામ મંદિર ટ્રસ્ટની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો અને વિવાદ સર્જાયો છે. ચૂંટણીમાં ગેરરીતિ અને પ્રોક્સી વોટિંગના ગંભીર આક્ષેપો ઉઠતા સમગ્ર મામલો ગરમાયો છે, અને વાત હવે પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ સુધી પહોંચી ગઈ છે.


'મેરા શ્યામ સબકા શ્યામ' પેનલ પર પ્રોક્સી વોટિંગના આક્ષેપ

ખાટુ શ્યામ મંદિર ટ્રસ્ટની સત્તા મેળવવા માટે પેનલો વચ્ચે રસાકસી ચાલી રહી હતી. આ દરમિયાન અગ્રવાલ સ્કૂલ મતદાન મથક પર 'મેરા શ્યામ સબકા શ્યામ' પેનલ પર અન્ય લોકોના નામે ખોટા મતદાન કરાવવાના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. સામે પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે, ઉમેદવારોની જાણ બહાર જ અને તેમની ગેરહાજરીમાં વહેલી સવારે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જે નિયમોની વિરૂદ્ધ છે.

શ્યામ સેવક ગ્રુપ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર, સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચ્યા

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો સદંતર અભાવ હોવાનું જણાવી હરીફ 'શ્યામ સેવક ગ્રુપ' દ્વારા આ ચૂંટણીનો સત્તાવાર રીતે બહિષ્કાર કરી દેવામાં આવ્યો હતો. બહિષ્કારની જાહેરાત બાદ માહોલ વધુ ઉગ્ર બન્યો હતો અને શ્યામ સેવક ગ્રુપના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તાત્કાલિક અલથાણ પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.

સમગ્ર ચૂંટણી ફરી યોજવાની માગ, હાઈકોર્ટ જવાની ચીમકી

અલથાણ પોલીસ સ્ટેશન પહોંચેલા શ્યામ સેવક ગ્રુપના અગ્રણીઓએ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. તેમની મુખ્ય માગ એ છે કે, આ આજની વિવાદિત ચૂંટણી રદ કરીને નવેસરથી કાયદેસર અને પારદર્શક રીતે મતદાન યોજવામાં આવે. ગ્રુપના સભ્યોએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો સ્થાનિક સ્તરે કે વહીવટી તંત્ર દ્વારા તેમને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે, તો તેઓ આ સમગ્ર કૌભાંડ અને વિવાદિત ચૂંટણી પ્રક્રિયાના મામલાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે. મંદિર ટ્રસ્ટની ચૂંટણીમાં આ પ્રકારે રાજકીય કાવાદાવા અને હોબાળો થતાં શ્રદ્ધાળુઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Surat News: કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા અને ગાંધીનગર કૂચ પહેલાં જ ખેડૂતોની અટકાયત


  • Follow us on: