આર્થિક ગુનાઓ અને છેતરપિંડી આચરીને ભાગી છૂટતા ગુનેગારો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. સુરતના કાપડ બજારના વેપારીઓ સાથે અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આરોપી મુકેશ અગ્રવાલને પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી દબોચી લીધો છે.


બોગસ ફર્મ બનાવી આચરી હતી કરોડોની છેતરપિંડી

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પકડાયેલા મુખ્ય આરોપી મુકેશ સુરેશ અગ્રવાલે તેના સાથીદારો સાથે મળીને સુરતમાં 'શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝ' અને 'શ્રી રાજઘરાણા ઈમ્પેક્ષ' નામના બે વેપારી પેઢી શરૂ કરી હતી. આ ફર્મના નામે આરોપીઓએ સ્થાનિક કાપડના વેપારીઓ સાથે મોટા પાયે વ્યવહાર શરૂ કર્યા હતા. શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને તેઓએ બજારના વેપારીઓનો વિશ્વાસ જીતી લીધો હતો.

વિશ્વાસ જીતી સાડીઓ ખરીદી અને પેમેન્ટ વગર ફરાર

વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ મુકેશ અગ્રવાલ અને તેની ટોળકીએ સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી અઢી કરોડ રૂપિયાની કિંમતની સાડીઓ અને અન્ય માલ-સામાન ઉધારમાં ખરીદ્યો હતો. જોકે, આ માલ સામાન મેળવી લીધા બાદ આરોપીઓએ વેપારીઓને પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને રાતોરાત પોતાની દુકાનો અને ઓફિસો બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

કલકત્તાથી ઝડપાયો આરોપી

જ્યારે વેપારીઓને પોતાની સાથે અઢી કરોડની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો, ત્યારે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા 4 વર્ષથી પોલીસ આ કેસના મુખ્ય સૂત્રધાર મુકેશ અગ્રવાલની શોધખોળ કરી રહી હતી. છેવટે ક્રાઇમ બ્રાન્ચે લોકેશન ટ્રેસ કરીને તેને કોલકાતાથી ઝડપી લીધો છે. હાલ પોલીસ આરોપીને સુરત લાવીને તેના અન્ય સાથીદારો અને છેતરપિંડીના નાણાં ક્યાં સગેવગે કર્યા છે તે અંગે કડક પૂછપરછ હાથ ધરી રહી છે.


આ પણ વાંચો - Surat: નશામાં ધૂત ASI એ કાર બસ સાથે અથડાવી, ઉમરા પોલીસે તુરંત આપ્યા જામીન


  • Follow us on: