ગુજરાતમાં પોતાની પડતર માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. 15 જૂનના રોજ યોજાનારી ‘કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા’ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી વાંક ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, પરંતુ આ કૂચ ગાંધીનગર પહોંચે તે પહેલાં જ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પોલીસે ખેડૂતોને અટકાવી દીધા છે, અને ખેડૂત સમાજના અગ્રણી હોદ્દેદારોની અટકાયત કરી લીધી છે.
પોલીસે કેમ કરી અટકાયત?
ઘટનાની મળતી વિગતો અનુસાર, ખેડૂત સંઘર્ષ સમિતિ અને ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડથી નીકળેલો ખેડૂતોનો આ વિશાળ કાફલો જ્યારે અંકલેશ્વર હાઈવે નજીક પહોંચ્યો, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના નામે પોલીસે આ રેલીને આગળ વધતી રોકી દીધી હતી. અંકલેશ્વર પોલીસે ખેડૂત સંઘર્ષ સમિતિના મુખ્ય હોદ્દેદારો અને ખેડૂત સમાજના આગેવાનોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. પોલીસની આ કાર્યવાહીને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.













