અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરી સામે એક બહુ મોટી કાર્યવાહી કરી છે. દુબઈથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી કસ્ટમ્સના અધિકારીઓએ રૂ.4.26 કરોડની કિંમતનું બિનવારસી સોનું ઝડપી પાડ્યું છે. વિમાનની અંદર કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિમાનના ટોયલેટમાં આવેલા સ્પીકર બોક્સમાંથી વિદેશી મૂળનું 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. આ મોટી સફળતાને પગલે એરપોર્ટ પર સોનાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કાળી ટેપમાં લપેટેલા 24 સોનાના બિસ્કિટ જપ્ત

તપાસ દરમિયાન કસ્ટમ્સ વિભાગને ફ્લાઈટના શૌચાલયમાં ફિટ કરેલા સ્પીકર બોક્સમાંથી કુલ 24 નંગ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. દાણચોરોએ કસ્ટમ્સની નજરમાંથી બચવા માટે આ તમામ બિસ્કિટને કાળી ટેપમાં ખૂબ જ સાવચેતીપૂર્વક લપેટીને છુપાવ્યા હતા. જપ્ત કરાયેલા આ વિદેશી સોનાનું કુલ વજન 2.799 કિલોગ્રામ (આશરે 2.8 કિલો) હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા થાય છે, જેને કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યું છે.

કોઈએ માલિકીનો દાવો ન કર્યો, દાણચોરીના એંગલથી તપાસ શરૂ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફ્લાઈટમાંથી આટલી મોટી માત્રામાં સોનું મળ્યા બાદ પણ વિમાનમાં સવાર કે એરપોર્ટ પર હાજર કોઈ પણ મુસાફરે આ સોના પર પોતાની માલિકીનો દાવો કર્યો નથી. આ બિનવારસી સોનું એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ ગ્રીન ચેનલ પાર કરાવવા માટે કોઈ સ્થાનિક કુરિયર કે એરપોર્ટ સ્ટાફની મદદ લેવાના ઈરાદે ત્યાં છુપાવાયું હોવાની આશંકા છે. હાલ કસ્ટમ્સ વિભાગે આ મામલે ગુનો નોંધીને દુબઈથી આવેલી ફ્લાઈટના મુસાફરોની યાદી અને સીસીટીવી ફૂટેજના આધારે સોનું સંતાડનાર અજાણ્યા દાણચોરની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: