સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી સુરક્ષા ચૂક સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ પર અજાણ્યા શખ્સો દ્વારા ગ્રીન લેઝર લાઇટ ફેંકવામાં આવતા એરપોર્ટ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. રનવે પર લેન્ડિંગની અંતિમ અને નાજુક ક્ષણોમાં જ પાયલટની આંખો સામે આ તેજસ્વી લેઝર લાઇટ આવી જતાં વિમાનની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો હતો, જો કે પાયલટની સતર્કતાના કારણે મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ છે.


પાયલટે ATCને કરી તાકીદની જાણ

મળતી માહિતી મુજબ, દિલ્હી-સુરત ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E-6511 જ્યારે સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી, ત્યારે અચાનક બહારથી પ્લેન પર ગ્રીન લેઝર લાઇટ ફ્લેશ થઈ હતી. આ ઘટનાથી પાયલટની આંખો અંજાઈ ગઈ હતી. પાયલટે સ્થિતિની ગંભીરતા સમજીને સહેજ પણ સમય બગાડ્યા વિના એર ટ્રાફિક કંટ્રોલને તાકીદે આ ઘટના અંગે રેડિયો પર જાણ કરી હતી.

એજન્સીઓ એક્શન મોડમાં

આ ઘટના પ્રકાશમાં આવતા જ એરપોર્ટ ઓથોરિટી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. એરપોર્ટની આસપાસના નો-ફ્લાય ઝોન કે રહેણાંક વિસ્તારોમાંથી કઈ જગ્યાએથી આ જોખમી લેઝર લાઇટ ફેંકવામાં આવી હતી, તે ચોક્કસ લોકેશન અને વિસ્તાર ટ્રેસ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. 

સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં 

વિમાનના લેન્ડિંગ કે ટેક-ઓફ સમયે લેઝર લાઇટ મારવી એ કાયદાકીય ગુનો છે અને તેનાથી પાયલટનું ધ્યાન ભટકતા સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ



  • Follow us on: