સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું દૂષણ માઝા મૂકી રહ્યું છે, જેને લઈને સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તહેવારોની મોસમ નજીક આવતાની સાથે જ બજારમાં ભેળસેળીયાઓ સક્રિય થઈ જાય છે અને નકલી ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ શરૂ કરી દે છે. આ નકલી ચીજવસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ સુરતમાંથી નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ છે, જેણે આ સમસ્યાની ગંભીરતા વધુ ઉજાગર કરી છે. આ નકલી ઉત્પાદન યુનિટો પકડાતા સામાન્ય નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે નકલી ચીજવસ્તુઓ વેચનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ

સુરતીઓમાં માત્ર ભેળસેળ કરનારાઓ સામે જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો મુખ્ય આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ માત્ર તહેવારો આવે ત્યારે જ કામગીરી કરે છે, જ્યારે આખું વર્ષ આ ભેળસેળનું દૂષણ યથાવત્ રહે છે. લોકોનું કહેવું છે કે સુરત શહેર હવે ધીમે ધીમે નકલી ચીજવસ્તુઓનું એપી સેન્ટર બની રહ્યું છે, જે શહેરની પ્રતિષ્ઠા અને નાગરિકોના આરોગ્ય માટે જોખમી છે. આ રોષને કારણે નાગરિકો માંગ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગે આવી મોસમી કામગીરીના બદલે બજારમાં કાયમી ચેકિંગ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

કાયમી ચેકિંગ અને કડક કાર્યવાહીની માંગ

નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાયા બાદ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ નાગરિકોનો અસંતોષ શાંત પડ્યો નથી. લોકોનું સ્પષ્ટ માનવું છે કે માત્ર ફેક્ટરી સીલ કરવાથી કે દંડ કરવાથી ભેળસેળનું દૂષણ અટકશે નહીં. આ દૂષણને જડમૂળમાંથી દૂર કરવા માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાયદા લાગુ કરવા જોઈએ અને નકલી ચીજવસ્તુઓ બનાવતા તેમજ વેચતા લોકો સામે દાખલારૂપ પગલાં લેવા જોઈએ. સુરતનું બજાર ફરી શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ બને, તે માટે આરોગ્ય વિભાગે સતત દેખરેખ રાખવી અને લોકોના જીવન સાથે રમત કરનારા તત્વોને કાયમી ધોરણે સજા કરવી તે સમયની માંગ છે.


  • Follow us on: