પાન, માવા અને ગુટખા ખાઇને રસ્તાઓ અને દિવાલો બગાડનારાની આપણે ત્યાં કોઇ ખોટ નથી. દરેક શહેર અને ગામમાં આવા ઘણા લોકો હોય છે છે ગમે ત્યાં પિચકારી કરીને દિવાલો અને રસ્તા બગાડતા રહે છે. સુરત મહાનગરપાલિકાએ હવે આ રીતે જાહેરમાં રસ્તા અને દિવાલો પર થૂંકતા લોકો સામે કડક કાર્યવાહી શરુ કરી છે.
તમે પિચકારી મારતા ઝડપાયા તો તમને દંડ ભરવો પડશે એ નિશ્ચિત
સુરતમાં રસ્તા પર જાહેરમાં પાન માવા અને ગુટખાની પિચકારી મારતા લોકો સામે કોર્પોરેશને મોનિટરીંગ શરુ કર્યું છે. સીસી ટીવી કેમેરામાં પિચકારી મારતા જોવા મળેલા આવા લોકો સામે હવે દંડનિય કાર્યવાહી શરુ કરી છે. સીસી ટીવી કેમેરામાં જો તમે પિચકારી મારતા ઝડપાયા તો તમને દંડ ભરવો પડશે એ નિશ્ચિત છે.
સુરત શહેરની સૂરત બગાડનારા તત્વો સામે લાલ આંખ
અત્યાર સુધી સીસી ટીવી કેમેરાના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસ મેમો આપતી હતી પણ હવે આ જ સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરીને કોર્પોરેશને સુંદર સુરત શહેરની સૂરત બગાડનારા તત્વો સામે લાલ આંખ શરુ કરી છે
જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રૂ. 5.85 લાખનો દંડ
રસ્તા પર પાન મસાલા અને ગુટખાની પિચકારી મારનારા લોકો પાસેથી કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રૂ. 5.85 લાખનો દંડ ફટકારાયો છે. પાન-માવાની પિચકારી મારનાર 3819 લોકો દંડાયા છે તે મહત્વની બાબત છે.
4 હજાર કેમેરાથી અલગ અલગ વિસ્તારમાં મોનિટરિંગ
સુરત કોર્પોરેશન શહેરમાં 4 હજાર કેમેરાથી અલગ અલગ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહી છે અને સીસી ટીવી કેમેરામાં પિચકારી મારતા કે રસ્તા પર થૂંકતા જોવા મળ્યા તો તમારી પાસેથી દંડ વસુલ કરાશે તે વાત માવા પ્રેમી લોકોએ સમજી લેવી પડશે. કારણ કે જાહેર મિલકતો, બ્યૂટીફિકેશન બગાડનારાઓ સામે SMC ની કાર્યવાહી હવે શરુ થઇ ગઇ છે.