સુરતમાં યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત થયું છે, 27 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં દુખાવો થતા ઢળી પડયો હતો, યુવકને રાત્રે બેક પેઇન અને છાતીમાં દુઃખાવો થયો હતો અને દવાખાન જતા ઇલેશ બાઇક પર રસ્તામાં ઢળી પડ્યો હતો, તો યુવકનું હાર્ટએટેકથી મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે, તો પીએમ થયા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
ઈલેશે MSCનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં કેમેસ્ટ્રી વિષય પર પીએચડીની તૈયારી કરતો હતો
SVNITની હોસ્ટેલમાં રહીને કેમેસ્ટ્રી વિષય પર પીએચડી કરતા વિદ્યાર્થીનું મિત્ર સાથે હોસ્પિટલ જતી વેળા ચાલુ મોપેડ પરથી ઢળી પડતા મોત નિપજ્યું હતું. છાતીમાં દુખાવો થતાં મિત્ર સારવાર માટે હોસ્પિટલ લઈને જતો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ વિદ્યાર્થીનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સરખેજ પાસે બાપાસીતારામ ફ્લેટમાં રહેતા ૨૭ વર્ષીય ઇલેશ ધનજીભાઈ ખડાયતા હાલ SVNIT કોલેજના ટાગોર ભવન હોસ્ટેલમાં રહેતો હતો. ઈલેશે MSCનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં કેમેસ્ટ્રી વિષય પર પીએચડીની તૈયારી કરતો હતો.
ચાલુ બાઈકે હાર્ટએટેક આવ્યો હોવાની સંભાવના
તેના પિતા ટપાલ વિભાગમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન જીવે છે. ઈલેશને એક ભાઈ છે. ઈલેશને શુક્રવારે વહેલી સવારે છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી તેણે બાજુના રૂમમાં રહેતા વિદ્યાર્થી મિત્રને કહ્યું હતું કે, આખી રાત સૂતો નથી, બેક પેઇન તેમજ છાતીમાં દુખે છે. ચાલ હોસ્પિટલ જઈએ. જેથી મિત્ર ઇલેશને મોપેડ પર હોસ્પિટલમાં લઈને જતા ડોક્ટર નહીં મળતા અન્ય હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. દરમિયાન ચાલુ મોપેડ પરથી ઇલેશ ઢળી પડયો હતો.