ગુજરાતમાં રોજબરોજ લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. સુરતમાં નાયબ કાર્યપાલક ઈજનેરને 50 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપી લીધો હતો. તેણે શેડની ડિમોલિશનની પરવાનગી આપવા માટે લાંચ માગી હતી. સુરત ACB પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઇ પટેલને લાંચ લેતા ઝડપી પાડ્ચો હતો.


ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની માગ કરી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદીને સુરત ભાટપોર GIDCમાં બે પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેનાં હોવાથી GIDCના જુના બનેલા શેડનું ડિમોલેશન કરવાનું હતું. જેથી ફરિયાદીએ આ ડિમોલિશન માટેની મંજૂરી માટે કાર્યપાલક ઈજનેરને અરજી કરી હતી. આ બંને પ્લોટના શેડની ડિમોલિશનની પરવાનગી આપવાની કાર્યવાહી માટે આરોપી નાયબ કાર્યપાલક ઈજનેર પરિમલ પટેલે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની માગ કરી હતી.

ACB એ રૂપિયા 50,000 લેતા રંગેહાથે ઝડપી પાડ્યો

આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે સુરત ACB પોલીસનો સંપર્ક કર્યો હતો. ACBએ ફરિયાદીની ફરિયાદને આધારે લાંચિયા પરિમલ પટેલને ઝડપી પાડવા માટે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી આરોપી પરિમલ પટેલને મળવા ગયા હતાં ત્યારે તેણે તેમની સાથે વાતચીત કરીને 50 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન ACBએ તેને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

  • Follow us on: