રાજ્ય સરકાર આધુનિક યુગના નવયુવાનોને વિશ્વસ્તરે સફળ બનાવવા સતત પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ અમલી છે. જેથી યુવાનો આત્મનિર્ભર બને, સમાજ માટે આદર્શ બની દેશના વિકાસમાં નોંધપાત્ર ભાગીદારી નોંધાવી શકે.આવી જ એક પ્રેરણાત્મક યાત્રા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિના પુત્ર મિલન પટેલની. જેમણે કોમર્શિયલ પાયલોટ બની અન્ય યુવાનોને આકાશને આંબવાની પ્રેરણા આપી છે. શિક્ષણ, સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ પરિવારના મિલન પટેલે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે.
અરજી કરી અને થોડા જ સમયમાં લોન મંજૂર થઈ ગઈ
મિલન અજિતભાઈ પટેલ હાલ ઇન્ડિગો (IndiGo) એરમાં પાયલોટ તરીકે પસંદગી પામ્યો છે અને થોડા દિવસોમાં જ ફરજ પર હાજર થશે.પોતાના જીવનના સંઘર્ષ અને સપનાની ઉડાન વિશે જણાવતાં કહ્યું કે,એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ દરમિયાન પાયલોટ બનવાનો વિચાર દ્રઢ થયો.અભ્યાસ દરમિયાન એર ઇન્ડિયામાં એક મહિના માટે ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો.આ દરમિયાન વિવિધ પ્રકારના વિમાનો અને ખાસ કરીને કોકપિટ જોવા મળ્યા અને આ અનુભવથી રોમાંચકારી હતો. એ સમયે નક્કી કર્યું કે હવે પાયલોટ જ બનવું છે.માતાપિતાને પોતાના સપના અને લક્ષ્ય વિષે જાણ કરી.તેઓએ પણ પુત્રના સપનાને સાકાર કરવા માટે સહકાર અને મંજૂરી આપી. મિલને જણાવ્યું કે, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા મળતી 25 લાખની કોમર્શિયલ પાયલોટ લોન સહાય યોજના વિશે માહિતી મળી.જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી અને થોડા જ સમયમાં લોન મંજૂર થઈ ગઈ.
કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ અને તાલીમ મેળવી
આર્થિક સહાય મળતાં અમેરિકા જઈને કોમર્શિયલ પાયલોટનો અભ્યાસ અને તાલીમ મેળવી.અભ્યાસ પૂર્ણ કર્યા પછી ભારતમાં પરત ફર્યો અને પાયલોટ લાયસન્સ ઇન્ડિયા માટે કન્વર્ટ કરાવ્યું. રબાદ જલગાંવ સ્થિત સ્કાયનેક્સ એરોમાંથી મલ્ટી એન્જિન ટ્રેનિંગ મેળવી અને ભારતીય એરટફ વિમાનોની તાલીમ માટે કોલંબિયા પણ ગયો.તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઇન્ડિગો કંપનીના દરેક રાઉન્ડ સફળતાપૂર્વક પસાર કરતા નોકરી મળી. પિતા અજિતભાઈ અને માતા જ્યોત્સનાબેન કહે છે કે, અમારા માટે આ માત્ર પુત્રની સફળતા નહીં પણ જીવનભરના સંસ્કાર અને મહેનતનું પરિણામ છે. જ્યારે મિલને પહેલી વખત પાયલોટનો ડ્રેસ પહેર્યો ત્યારે લાગ્યું કે અમારા સપનાને પણ પાંખો મળી ગઈ.