સુરતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદનું જોર રહ્યું. ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવતા પૂરની સ્થિતિ બનવા પામી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખેડૂતોનું માનવું છે કે અત્યારે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેડૂતો ખુશ છે જ્યારે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદમાં વાહનચાલકોને હાલાકી
વહેલી સવારથી વરસાદે સમગ્ર સુરત શહેરને બાનમાં લીધું છે. આજે વેસુ, પીપલોદ, સિટી લાઇટ, અલથાણ, અડ઼ાજણ, રાંદેર સહિત ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદના કારણે ગરમીનો પ્રકોપ ઘટતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. જો કે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ડરપાસ અને ગરનાળામાં પાણી ભરાતા ધંધા-રોજગાર માટે જતા લોકો પાણીમાં ફસાઈ જતા તેમને અવગડતા પડી રહી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવતા ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. સુરતમાં માંગરોળ તાલુકામાં 1.65 ઈંચ, ઓલપાડ તાલુકામાં 1.46 ઈંચ વરસાદ, ઉમરપાડા તાલુકામાં 1.38 ઈંચ, પલસાણા તાલુકામાં 0.71 ઈંચ, બારડોલી તાલુકામાં 0.51 ઈંચ, કામરેજ તાલુકામાં 0.31 ઈંચ, માંડવી તાલુકામાં 0.12 ઈંચ, સુરત સિટીમાં 0.08 ઈંચ અને મહુવા તાલુકામાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે. IMD મુજબ અરબી સમુદ્રમાં કરંટ જોવા મળતા દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યમાં કેટલાક સ્થાનો પર આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું જોર રહેશે.