સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસે-દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં બાલકૃષ્ણ સોસાયટી પાસે થયેલી એક લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને રોષનો મહીલ ફેલાયો છે. આ ઘટનામાં બે અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે એક રાહદારીની રોકીને માર મારી તેનો મોબાઈલ ફોન ઝૂટવી લીધો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ હતી અને તે ફૂટેજ વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે.


રાહદારીને રોડ પર માર માર્યો

મળતી જાણકારી અનુસાર, આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરે જઈ રહ્યો હતો. અંધારાનો લાભ ઉઠાવી બે લુખ્ખા તત્વોએ તેને અચાનક રોક્યો. તેમણે રાહદારી સાથે ઝપાઝપી કરી અને બળજબરીપૂર્વક તેનો મોબાઈલ ફોન છીનવી લીધો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લુખ્ખા તત્વોએ રાહદારીને રોડ પર પાડીને માર પણ માર્યો હતો. આ ઘટના બાદ લુખ્ખા તત્વો ફરાર થઇ ગયા હતા જ્યારે લૂંટનો ભોગ બનેલા વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ પ્રકારની ઘટનાઓ ભેસ્તાન વિસ્તારમાં વધતી હોવાથી સ્થાનિક લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. રાત્રિના સમયે રોડ પરથી પસાર થવું હવે ડરનો અનુભવ કરાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને કારણે લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે લુખ્ખા તત્વોને ઓળખી કાઢવા અને તેમને પકડવા માટે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: