હીરાનગરી સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી રત્નકલાકાર ભાઈઓની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક હીરાના કારખાનામાં શિસ્ત અને નિયમોનું પાલન કરવાનું કહેવા જેવી સામાન્ય બાબતે રત્નકલાકારો ઉશ્કેરાઈ ગયા હતા અને મેનેજર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ચકચારી ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર ડાયમંડ એસોસિએશન અને શ્રમિકોમાં ભારે ચર્ચા જાગી છે.


પૂર્વ આયોજિત કાવતરું અને બાથરૂમમાં ઢોર માર

આ હિંસક ઘટના કાપોદ્રા વિસ્તારમાં આવેલા 'પંકજ ડાયમંડ' નામના હીરાના કારખાનામાં બની હતી. કારખાનાના પાટીદાર મેનેજર ગૌતમ ઇટાલીયાએ કર્મચારીઓને શિસ્ત જાળવવા અને પંચિંગના નિયમનું પાલન કરવાનું કહ્યું હતું. આ બાબત એક રત્નકલાકારને નાગવાર ગુજરી હતી. તેણે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાના ભાઈને પણ કારખાનામાં બોલાવી લીધો હતો અને મેનેજરને બાથરૂમ નજીક એકલા ઘેરી લીધા હતા. બંને ભાઈઓએ અંદાજે દોઢ મિનિટ સુધી બેફામ ગાળો આપીને મેનેજરને આડેધડ ઢોર માર માર્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની કડક કાર્યવાહી

આ સમગ્ર હુમલાની ઘટના કારખાનામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. ભોગ બનનાર મેનેજર ગૌતમ ઇટાલીયાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર બંને આરોપી ભાઈઓ અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને કડક કાનૂની પગલાં ભરવાની ખાતરી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: