ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) અપનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેમાં આગ લાગવાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક એક ઈ-મોપેડમાં અચાનક આગ ફાટીનીકળી હતી. સદનસીબે પેટ્રોલ પંપના કર્મચારીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાએ ઇલેક્ટ્રિક વાહનોની સલામતી પર ફરી સવાલો ઉભા કર્યા છે.
પેટ્રોલપંપ પાસે આગ લાગતા લોકોના જીવ તાળવે ચોટયા
મળતી જાણકારી અનુસાર, આજે બપોરે અડાજણ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહેલા ઈ-મોપેડમાં અચાનક આગ લાગી ગઈ હતી. પેટ્રોલ પંપની તદ્દન નજીક આ ઘટના બનતા આસપાસ ઉભેલા લોકો અને પેટ્રોલ ભરવી રહેલા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે પેટ્રોલ પંપના જાગૃત કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસોના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકી હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહતી. જોકે, આગની આ ઘટનામાં ઈ-મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયું હતું.
આગની ઘટનામાં મોપેડ બળીને ખાખ
તાજેતરના સમયમાં રસ્તાઓ પર ઈ-મોપેડ અને ઈ-સ્કૂટર સહિતના ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લગાવવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવા બનાવો બેટરીની ગુણવત્તા, ચાર્જિંગની પદ્ધતિ કે વાહનોની ડિઝાઈનને કારણે બનતા હોવાનું મનાય છે. આ ઘટના ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષા, તેમની બેટરીની ગુણવત્તા અને ચાર્જિંગ માળખા અંગે ગંભીર ચર્ચાઓને વેગ આપે છે.