દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની મન મૂકીને શરૂઆત થઈ ચૂકી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ સવારથી જ શાનદાર વરસાદી માહોલ જામ્યો છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે. લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ આખરે મેઘરાજાએ પધરામણી કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.


સુરતનું 'ચેરાપુંજી' ઉમરપાડા પાણી-પાણી

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેળવતા અને જિલ્લાના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતા ઉમરપાડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેમ મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


બજારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી

માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદના કારણે ઉમરપાડાના મુખ્ય બજાર વિસ્તાર સહિતના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.


જગતનો તાત ખુશ અને વાતાવરણમાં પ્રસરી ઠંડક

આ ધમાકેદાર વરસાદના પગલે સૌથી વધુ આનંદ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. વાવણી લાયક અને પૂરતો વરસાદ વરસી જતાં ઉમરપાડા પંથકના ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને તેઓ ખેતીકામમાં જોતરાઈ ગયા છે. આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે.


આ પણ વાંચો - Surat : મનપાના કરોડોના ધુમાડા પાણીમાં, માત્ર 15 મિનિટના વરસાદમાં રસ્તા બન્યા નદી, પ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ



  • Follow us on: