દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના બજેટ મંજૂર કરતી સુરત મહાનગરપાલિકાની પોલ આ વર્ષે પણ ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ ખુલી ગઈ છે. સુરતમાં મેઘરાજાએ હજુ તો માત્ર 15 જ મિનિટ ધમાકેદાર બેટિંગ કરી ત્યાં જ સ્માર્ટ સિટીના દાવાઓની હવા નીકળી ગઈ છે.
મુખ્ય માર્ગો પાણીમાં તરબોળ થઈ ગયા
માત્ર સામાન્ય વરસાદી ઝાપટામાં જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણીમાં તરબોળ થઈ ગયા હતા. ચોમાસું હજુ બરાબર બેઠું પણ નથી, ત્યાં જ રસ્તાઓ નદીમાં ફેરવાઈ જતાં મનપાની પ્રી-મોન્સૂન સફાઈ માત્ર કાગળ પર જ થઈ હોવાનો રોષ જનતામાં જોવા મળી રહ્યો છે.
રોડનો એક આખો સાઇડનો ભાગ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ
સૌથી ખરાબ પરિસ્થિતિ ઉધના બસ ડેપોથી સચિન હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ પર જોવા મળી હતી. આ વ્યસ્ત હાઇવે પર અંદાજે 500 મીટર સુધીનો રોડનો એક આખો સાઇડનો ભાગ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હાઇવે પર નદી જેવા દ્રશ્યો સર્જાવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાને કારણે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ હતી. ઓફિસ અને કારખાને જતા હજારો નોકરિયાતો અને શ્રમિકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા.
દર વર્ષે આ જ હાઇવે પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દર વર્ષે આ જ હાઇવે પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, છતાં મનપા શાસકો કે ડ્રેનેજ વિભાગ દ્વારા આ ડ્રેનેજ લાઇનનું કોઈ કાયમી નિવારણ લાવવામાં આવતું નથી. માત્ર ૧૫ મિનિટના વરસાદે જો સુરતના રસ્તાઓની આ હાલત કરી દીધી હોય, તો જ્યારે ચોમાસામાં મૂશળધાર વરસાદ ખાબકશે ત્યારે ડાયમંડ સિટીની શું હાલત થશે તે વિચારીને જ વાહનચાલકો અને શહેરીજનો ધ્રૂજી ઉઠ્યા છે. વિપક્ષ અને જનતા હવે સોશિયલ મીડિયા પર મનપાની આ આળસુ અને બેદરકાર કામગીરી પર આકરા સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?