આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના વરદ હસ્તે રૂ. 1.20 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, રૂ. 10 લાખથી વધુના ખર્ચે થનારા નવા વિકાસ કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા, જેનાથી સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.


વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ્સનું નિરીક્ષણ કર્યું હતું

વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રતીક સમાન વિકાસ રથનું ઝીંઝુડા ખાતે ખૂબ જ ભવ્ય અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જીવાપર (આં), ગુંદા, કાબરણ, રાજપરા અને ચિરોડા (ઠાં) જેવા ગામોમાંથી પસાર થઈને ઝીંઝુડા આવી પહોંચેલા આ રથનું મહાનુભાવો અને ગ્રામ્ય બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ રથયાત્રા થકી રાજ્ય સરકારના વિવિધ અભિયાનો અને વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ્સનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થવા ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

સંબધિત વિભાગના અધિકારીઓ રહ્યાં હાજર

કાર્યક્રમના અંતે, ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ઇલાબેન સંઘાણી, ઝીંઝુડા સરપંચ શ્રી છેલુભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય જેસીંગભાઇ ગાંભા, ગ્રામ પંચાયત સદસ્ય નિતેશભાઇ બાવળીયા, શ્રી કંકુબેન નાકિયા સહિતના પદાધિકારી, તાલુકા વિકાસ અધિકારી સરજુભાઈ જેઠવા તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.                                 

  • Follow us on: