તાપીના વ્યારામાં આવેલી આદિત્ય એલ્યુમિનિયમ નામની કંપનીમાં એક ભયાનક બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેના અવાજથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કંપનીમાં ફર્નેશ ઓઇલ ખાલી કરવા માટે એક ટેન્કર આવ્યું હતું.


ફર્નેશ ઓઇલ ખાલી કરવા આવેલા ટેન્કરમાં આગ

આ ટેન્કરમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમાં તે ધડાકાભેર ફાટ્યું હતું. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે કંપનીના શેડના પતરા પણ હવામાં ઉછળીને દૂર જઈ પડ્યા હતા. બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ટેન્કરમાં બ્લાસ્ટથી શેડના પતરા હવામાં ઉછળ્યા

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બ્લાસ્ટનું કારણ ઓઈલ ટેન્કરમાં ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના નિયમોના પાલન પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.


  • Follow us on: