આ ભવ્ય આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને વીર ગાથાને ઉજાગર કરવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો છે. વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે આ ઉત્સવનું કેન્દ્રબિંદુ એક અભૂતપૂર્વ ઘટના બની રહ્યું. પ્રાયોજના કચેરી, સોનગઢના ઉત્કૃષ્ટ પ્રયાસોના ભાગરૂપે, ખૂબ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને એક વિરાટ 'માનવ સાંકળ' રચી હતી.
માનવ સાંકળ દ્વારા બિરસા મુંડાજીની પ્રતિકૃતિ રચવામાં આવી હતી
આ સાંકળને "જનજાતિય ગૌરવ દીપ્તિમાન પ્રતિક" સ્વરૂપે ગોઠવવામાં આવી, શાળાના લગભગ ૧ હજાર બાળકોએ ભગવાન બિરસા મુંડાજીની અદભૂત અને આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કર્યું. આ પ્રતિકૃતિની રચના કરીને તાપી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે, કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર માનવ સાંકળ દ્વારા બિરસા મુંડાજીની પ્રતિકૃતિ રચવામાં આવી હતી.
આ અદભૂત દ્રશ્યને ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવ્યું હતું
આ અનોખી પ્રતિકૃતિને નિહાળવા માટે સ્ટેશન રોડ, મિશન નાકા રોડ તેમજ સયાજી સર્કલ પર રાહદારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને નાગરિકો કુતૂહલવશ એકઠા થયા હતા. આ વિશાળ માનવ સાંકળમાં જોડાયેલા લોકો થકી આદિજાતિ એકતા અને ગૌરવનો પ્રબળ સંદેશ માત્ર તાપી જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ફેલાયો હતો. આ અદભૂત દ્રશ્યને ડ્રોન કેમેરાથી કેદ કરવામાં આવ્યું હતું, જેણે આબેહૂબ ચિત્રાંકન જેવું અવિસ્મરણીય દ્રશ્ય રચ્યું હતું. પ્રતિકૃતિ રચનાર કાબેલીદાદ ચિત્રકાર હીરાભાઈ પરદેશીની કલાને સૌ મહાનુભાવોએ બિરદાવી હતી.
સમાજ પ્રત્યે સમર્પણનું ઉત્તમ ઉદાહરણ
ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે, "ભગવાન બિરસા મુંડાનું બલિદાન અને તેમની વિચારધારા આપણને સૌને પ્રેરણા આપે છે. તેમનું જીવન દેશ અને સમાજ પ્રત્યે સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકાર આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને શિક્ષણ, આરોગ્ય તથા રોજગાર ક્ષેત્રે અનેક યોજનાઓ દ્વારા તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સતત પ્રયત્નશીલ છે."આ પ્રસંગે કલેક્ટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આ.પ્રતિકૃતિ નીચે થી અને નજીક થી જોતા અસ્પષ્ટ જણાય છે, ઉપરથી વિહંગાવલોકનથી અને ડ્રોનથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય છે તેમ જીવનમાં પણ સફળતા નજીકથી નથી દેખાતી, તેનું વિઝન બનાવવું પડે છે આમ વિધ્યાર્થીઓને પોતાના શબ્દો દ્વારા પ્રેરિત કર્યા હતા.
અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ જોડાયા હતા
આ પ્રસંગે કલેક્ટર ડો.વિપિન ગર્ગ, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ, ડૉ.રિતિકા આઈમા, ખ્યાતિ પટેલ, પુરવઠા અધિકારી સાગર મોવાલિયા, સૂરજ વસાવા, કારોબારી અધ્યક્ષ નીતિનભાઇ ગામીત સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ પણ પ્રેરક ઉપસ્થિતિ આપીને ઉત્સવની ગરિમામાં વધારો કર્યો હતો.