બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામમાં લવ મેરેજની અદાવતમાં યુવતીના પરિવારના 12 શખ્સોએ યુવકના પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લવ મેરેજની અદાવદમાં ઉશ્કેરાયા યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હિચકારો હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી હતી. આ મામલે 12 આરોપી સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી હતા જ્યારે ફરાર થયેલા 6 આરોપીને ઝડપવા 3 ટીમો બનાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


પ્રેમ લગ્ન કર્યા હતા

બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે. 20 દિવસ અગાઉ થરાદના ડુવા ગામના શ્રવણ ડાંગી નામના યુવકે પાવડાસણ ગામની સુખી વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આ પ્રેમ લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતો.. જેથી સુખીબેન ના પરિવારે શ્રવણ ના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને સાથે લઈ જવા માટે કહ્યું હતું પરંતુ સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા હતા.

બંને પરિવાર મળ્યા હતા

થોડા દિવસ સુધી મામલો ઠંડો રહ્યા બાદ શ્રવણભાઈ અને સુખીબેન ડુવા ગામ ખાતે આવ્યા હતા. જે વાતની જાણ સુખીબેનના પરિવારને થતા પરિવારે સુખી બેનને મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જે દરમિયાન શ્રવણભાઈના સંબંધી પોપટભાઈ દ્વારા શ્રવણભાઈ ના પરિવારને પોતાના ઘરે મળવા માટે બોલાવ્યા હતા. જેથી શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગી, પિતા પ્રહલાદભાઈ ડાંગી અને પત્ની સુખીબેન ચાર લોકો પોપટભાઈ ના ઘરે મળવા માટે ગયા હતા. સુખીબેન ના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને સમાધાન 2 લાખ ભરવાની વાત પણ કરી હતી.

સમાધાન પણ થયું હતું

સુખીબેન અને શ્રવણભાઈના પરિવારજનોએ એકબીજાને ગોળ ખવડાવી અને સાથે જમીને સમાધાન પણ કર્યું હતું.. બંને પરિવારો જમીને છૂટા પડ્યા બાદ સુખીબેનના પરિવારજનોને સુખીબેનનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો. જે દરમિયાન શ્રવણભાઈ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે અલગ અલગ 3 ગાડીઓમા 12 થી વધુ લોકોએ શ્રવણની બોલેરો પીકપ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું

ગાડીને ટક્કર મારી તિક્ષ્ણ હથિયારથી હુમલો

 દરમિયાન ધાખા ડુવા રોડ પર શ્રવણની ગાડી ને ટક્કર મારી સુખીબેનના પરિવારજનો દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીના માથામાં તીક્ષ્ણ હથિયાર વાગી જતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત 3 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હુમલો કરીને યુવકના પિતાની હત્યા કરી

પ્રેમ લગ્નની અદાવત રાખી સુખીબેનના પરિવારજનોએ મંડળી રચી શ્રવણભાઈના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. શ્રવણના મોટાભાઈ જબરા ડાંગી દ્વારા પોતાના પિતાની થયેલ હત્યા મામલે થરાદ પોલીસ મથકે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાંથી થરાદ પોલીસે એક મહિલા સહિત 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર 6 આરોપીને ઝડપવા માટે થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ૩ ટીમો બનાવવામાં આવી છે..

6 આરોપી પકડાયા

પોલીસે આ મામલે શાંતીભાઈ ચમનાજી વણકર, અશોકભાઈ શાંતીલાલ ચમનાભાઈ વણકર, સુરેશભાઈ શાંતીલાલ ચમનાભાઈ વણકર, મેવાભાઈ ચમનાવણકર , જેમલભાઈ ચમનાભાઈ તથા ગુગીબેન ઉર્ફે દાડમબેનને ઝડપી લઇ વધુ તપાસ શરુ કરી હતી.


  • Follow us on: