દાહોદની રહેવાસી અને સાવલી તાલુકા રાઈફલ એસોસિએશનની સભ્ય, યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી શોટગન ઈવેન્ટ્સ - 2025માં 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ચમકી છે. 19 વર્ષિય યશાયાએ ડબલ ટ્રેપ યુથ અને જુનિયર મહિલા શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે તે જ સ્કોરથી તેણીએ સિનિયર મહિલા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
પૂણેમાં બેચલર ઓફ લિબરલ આર્ટ્સની ડિગ્રીનો અભ્યાસ કરે છે
ડબલ ટ્રેપમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં વ્યક્તિગત મેડલ જીતવાનો આ તેણીનું સતત પાંચમું વર્ષ છે, જે પોતે જ એક નોંધપાત્ર સિદ્ધિ છે. વર્ષોથી સમર્પણ અને કૌટુંબિક પ્રતિબદ્ધતાને કારણે તેણીના સ્કોરમાં સતત સુધારો થયો છે. હાલ તેણી MIT-વર્લ્ડ પીસ યુનિવર્સિટી, પૂણેમાં બેચલર ઓફ લિબરલ આર્ટ્સની ડિગ્રીનો અભ્યાસ કરે છે. તે પૂણેમાં બાલેવાડી શોટગન શૂટિંગ રેન્જમાં તેના કોચ સિદ્ધાર્થ પવારના માર્ગદર્શન હેઠળ તાલીમ લેવા માટે સમયનું સુચારૂ સંચાલન કરે છે. સાવલી તાલુકા રાઈફલ એસોસિએશનના સેક્રેટરી જનરલ ઈશ્વર સિંહે NRAI અને GSRAની સમગ્ર ટીમનો દરેક તબક્કે સતત સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.













