ગીર જંગલને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ગામમાં વહેલી સવારે એક અસામાન્ય ઘટના સામે આવી હતી. જ્યાં એક સિંહણ ગામની શેરીઓમાં પ્રવેશી હતી. આ સિંહણે કલાકો સુધી ગામની ગલીઓમાં લટાર મારી હતી. જેના કારણે ગામલોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે આ સિંહણે પાતાપુર ગામમાં પ્રવેશ કર્યો હતો. ગામની ગલીઓમાં કલાકો સુધી ફર્યા બાદ સવારે લગભગ 6:00 વાગ્યે એક અનોખી ઘટના બની.
વહેલી સવારે સિંહણ ગામમાં પ્રવેશી
ગામમાં રહેતા ગોદાવરીબેન વઘાસિયા નામના વૃદ્ધા મંદિરે દર્શન કરવા માટે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. ઘરની બહાર નીકળતા જ તેમનો સીધો ભેટો સિંહણ સાથે થયો હતો. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ગભરાઈ જાય છે, પરંતુ ગોદાવરીબેન વઘાસિયાએ અસામાન્ય ધૈર્ય અને નિર્ભયતા દર્શાવી હતી. વૃદ્ધા સિંહણની સામે ઊભા રહીને પણ જરાય ગભરાયા નહોતા. તેઓ કોઈ પણ પ્રકારની ગભરાહટ કે દોડાદોડી કર્યા વગર બિલકુલ નિર્ભયતાથી સિંહણની સામેથી પસાર થયા હતા.













