તાજેતરમાં જ વિવાદોમાં ઘેરાયેલા અને ફરી એકવાર ગુમ થયાની ચર્ચામાં આવેલા મહાદેવ ભારતી બાપુએ પોતે એક વીડિયો સંદેશ દ્વારા આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, "હું ક્યાંય ગુમ નથી થયો." બાપુએ જણાવ્યું કે તેઓ અત્યારે યાત્રાએ નીકળ્યા છે અને પોતાનું બાકીનું જીવન ભગવાનના ચરણોમાં વ્યતિત કરવા માગે છે. તેમણે ઉમેર્યું કે, "ભગવાને મને નવું જીવન આપ્યું છે," અને તે હવે ભક્તિમય વાતાવરણમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. આ ખુલાસાથી તેમના ગુમ થવા અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયો છે.


પરિવાર તરફથી પણ સ્પષ્ટતા

મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલે તેમના મોટાભાઈ જીતુભાઈએ પણ પરિવાર તરફથી માહિતી આપી હતી. જીતુભાઈના જણાવ્યા પ્રમાણે, ભારતી બાપુ રવિવારે સવારે ઘરેથી નીકળી ગયા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે તેઓ પ્રભુ ભજન કરવા માટે જઈ રહ્યા છે. બાપુ જસદણના સાણથલી ગામેથી નીકળ્યા હતા. પરિવાર દ્વારા આ સ્પષ્ટતા બાદ બાપુ ક્યાંક મુશ્કેલીમાં હોવાની કે ગુમ થયાની ચિંતા હળવી થઈ હતી. બાપુએ પોતે વીડિયોમાં પુષ્ટિ આપી છે કે, "હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું, ભગવાનના ચરણોમાં છું."

આધ્યાત્મિકતા તરફ જીવનનું વળાંક

વિવાદોના વમળમાંથી પસાર થયેલા મહાદેવ ભારતી બાપુએ હવે ભૌતિક જીવનથી દૂર જઈને ભક્તિમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાનું જીવન ભક્તિમય વાતાવરણમાં પસાર કરી રહ્યા છે. બાપુના આ પગલાને તેમના જીવનનો એક મોટો આધ્યાત્મિક વળાંક ગણી શકાય. બાપુએ આપેલો આ વીડિયો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમના અનુયાયીઓ તથા હિતેચ્છુઓમાં રાહતની લાગણી ફેલાઈ છે. હવે તેઓ ક્યાંય ગુમ ન હોવાથી, પોલીસ કેસ કે તપાસની જરૂરિયાત પણ રહેતી નથી.



  • Follow us on: