શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પોતાના વડોદરા પ્રવાસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી શિક્ષણલક્ષી કામગીરીનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. સમીક્ષા બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વડોદરા જિલ્લાની શૈક્ષણિક પ્રોફાઈલ, શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ તેમજ વિવિધ શિક્ષણલક્ષી સરકારી યોજનાઓના અમલીકરણ અંગેની વિગતો રજૂ કરી હતી.
ગ્રાન્ટનો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય અને ફરજિયાત ખર્ચ કરવા સૂચના
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણની ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જિલ્લામાં ડ્રોપઆઉટ રેટ શૂન્ય કરવા પર ભાર મૂક્યો હતો અને શાળાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય અને ફરજિયાત ખર્ચ કરવા સૂચના આપી હતી. સાથે જ ‘પરખ’ (PARAKH) રિપોર્ટ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ સંદર્ભે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અન્ય પડકારો દૂર કરવા અધિકારીઓ પાસેથી સૂચનો માગ્યા
મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પરિવહન સુવિધાનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત, વડોદરા જિલ્લામાં માધ્યમિક શાળાઓની સંખ્યા વધારવા માટે બી. આર. સી. અને સી. આર. સી. કોર્ડિનેટર્સને ઉકેલલક્ષી વિગતો સાથેનો રિપોર્ટ સત્વરે જમા કરાવવા આદેશ આપ્યો હતો. મંત્રીએ આ કોર્ડિનેટર્સ પાસેથી શાળામાં સુવિધાઓ અને યોજનાના અમલીકરણ સંદર્ભે પ્રતિભાવો પણ જાણ્યા હતા. મંત્રીએ શાળાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા તેમજ યોજનાઓના અમલીકરણમાં આવતા વહીવટી કે અન્ય પડકારો દૂર કરવા અધિકારીઓ પાસેથી સૂચનો માગ્યા હતા.
સમીક્ષા બેઠક બાદ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે વિદ્યા સહાયકોને પ્રતિકાત્મક રૂપે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય, તાલીમ ભવનના અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષકો તેમજ જિલ્લાના બી.આર.સી અને સી.આર.સી કોર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Vadodara: કારમાં બેસી ‘જામ’ છલકાવવો ભારે પડ્યો, વાયરલ વીડિયોના આધારે પોલીસે યુવકને જેલભેગો કર્યો