વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોદ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ડમ્પર ચાલકે બાઇક પર જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા. ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના વાઘોડિયાના ફલોદ ગામ નજીક બની હતી. જ્યાં ડમ્પર ચાલકે બે બાઇકસવારોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇકસવારો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બંને બાઇકસવારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઘાયલ થયેલા બંને બાઇકસવારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એકને વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજાને વાઘોડિયા પાસેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડમ્પરચાલક વિરુદ્ધ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બંને બાઇકસવારો રાજપીપળાના રાજપુરા ગામના વતની હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પાલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તથા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.