વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. દેવનદી કિનારાના વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજેતરમાં જ વ્યારા ગામની સીમમાં એક ખેડૂતે દીપડાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના વ્યારા ગામના ફ્લોડીયા વગા વિસ્તારમાં બની હતી.
દિપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
એક ખેડૂત દિવસ દરમિયાન પોતાના ખેતર નજીક ઝાડીખરા પાસે કામ કરી રહ્યો હતો. ત્યારે તેને અચાનક દીપડો દેખાયો હતો. ખેડૂતે સમયસૂચકતા વાપરીને ભયભીત થયા વગર દીપડાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં દીપડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેના કારણે સ્થાનિકોનો ડર વધુ ઘેરો બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ દીપડો દેવનદી કિનારાના જુદા જુદા ગામોમાં અત્યાર સુધીમાં 20થી વધુ પશુઓનું મારણ કરી ચૂક્યો છે.













