વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટુ-વ્હીલર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને તેના ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક પીવાના પાણીનો જગ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.
રોડ ક્રોસ કરતા યુવકને ટુ-વ્હીલરે ટક્કર મારી
તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટુ-વ્હીલરના ચાલકે તેને અડફેટમાં લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રાહદારી યુવક હવામાં ઊંચે સુધી ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. રાહદારી યુવકને ટક્કર માર્યા બાદ ટુ-વ્હીલર ચાલક પણ પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને આગળ જતાં તે પણ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં રાહદારી યુવક અને ટુ-વ્હીલર ચાલક – બંનેને ઇજાઓ પહોંચી છે.













