વડોદરાના સાધલીમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ઉજાગર કરતી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાધલીમાં તળાવના બ્યુટીફિકેશન (સુશોભીકરણ) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક હાઇડ્રોલિક હિટાચી મશીન રસ્તા પરથી પસાર થઈ રહેલા હાઈ-ટેન્શન વીજ વાયરો સાથે ધડાકાભેર અથડાયું હતું. ચાલકની બેદરકારીના કારણે એક વિશાળ વીજ પોલ પળવારમાં મુખ્ય માર્ગ પર ધારાશાયી થઈ ગયો હતો. મદીના મસ્જિદની બિલકુલ સામે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બાઇકનો કચ્ચરઘાણ
વીજ પોલ જ્યારે રસ્તા પર પડ્યો ત્યારે તેની લપેટમાં ત્યાં નજીક ઉભેલી એક સ્થાનિક મહિલા આવી ગઈ હતી. લોખંડનો ભારેભરખમ પોલ માથે પડતાં મહિલાને શરીરે અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઉપરાંત, વીજ પોલની બિલકુલ નીચે ઉભેલી એક મોટરસાયકલ પર થાંભલો પડતાં બાઇકને પણ મોટું નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો.













