આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી. તેમણે વડોદરા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને મધ્ય ગુજરાતના વિવિધ ઉદ્યોગિક એકમો તેમજ મંડળોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. સમિટની પૂર્વ તૈયારીઓનો તાગ મેળવવા અને રાજ્યમાં નવા રોકાણો લાવવા માટે આ બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે.
મધ્ય ગુજરાતના ઉદ્યોગોને 1432.41 કરોડનું મોટું ઇન્સેન્ટિવ
આ બેઠક દરમિયાન મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. સરકાર તરફથી મધ્ય ગુજરાતના તમામ લાયક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કુલ 1432.41 કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ એનાયત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિવિધ યોજનાઓ અને ઉદ્યોગોને અપાતી જમીન સહિતની સવલતોની વિગતો મેળવીને પ્રગતિની સમીક્ષા કરી હતી.
કેમિકલ-ફાર્મા અને આઇટી ક્ષેત્રે રોકાણ લાવવા નવો રોડમેપ
રાજ્યમાં નવું અને મસમોટું વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે હર્ષ સંઘવીએ અધિકારીઓને ચોક્કસ રોડમેપ તૈયાર કરવાની કડક સૂચના આપી છે. બેઠકમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વધુ રોકાણ લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકોને ઝડપી લેવા માટે પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
દાહેજ, સાવલી અને હાલોલ બેલ્ટના વિકાસ પર વિશેષ ધ્યાન
ઔદ્યોગિક દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાતા દાહેજ, સાવલી અને હાલોલ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં નવી સંભાવનાઓ વધારે હોવાથી તેના વિકાસ પર વિશેષ ચર્ચા થઈ હતી. ઉદ્યોગો માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાના મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, ત્વરિત ધોરણે ઇન્વેસ્ટર મીટ યોજીને ઉદ્યોગપતિઓના તમામ પ્રશ્નો અને સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે જેથી વાઇબ્રન્ટ સમિટ સફળ બને.
આ પણ વાંચો - Vadodara News: ગોત્રીમાં ખાનગી શાળા છોડી 1354 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં લીધો પ્રવેશ, DyCM હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાતો