વડોદરાના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે 2026નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ભારે ઉત્સાહ સાથે યોજાયો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ આપીને શાળામાં હોંશેહોંશે પ્રવેશ કરાવ્યો હતો.
ખાનગી શાળાઓ છોડી 1354 વિદ્યાર્થીઓનો સરકારી શાળામાં પ્રવેશ
સરકારી શાળાઓના શિક્ષણ સ્તરમાં આવેલા બદલાવનું ઉત્તમ ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું છે. આ વર્ષે ગોત્રીની આ શાળામાં આશ્ચર્યજનક રીતે 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓનો મોહ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા, જે સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના વધતા વિશ્વાસનું પ્રતીક છે.
શિક્ષકો અને વાલીઓને હર્ષ સંઘવીની ખાસ ટકોર
આ પ્રસંગે DyCM હર્ષ સંઘવીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોને પોતાની વિશેષ જવાબદારી નિભાવવા અને શ્રેષ્ઠ શિક્ષણ આપવા ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણની સાથે તેમના સંસ્કાર અને ઘડતર પર પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આ ઉપરાંત, તેમણે વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે. બાળકો દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવા સહિયારા પ્રયાસો કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
2030 સુધીમાં તમામ 126 શાળાઓ મોડેલ શાળા બનશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભવિષ્યના આયોજનો વિશે વાત કરતા જણાવાયું હતું કે, વડોદરામાં હાલ સમિતિની 126 શાળાઓ કાર્યરત છે. વર્ષ 2030 સુધીમાં આ તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવાની અને તેને મોડેલ શાળા તરીકે વિકસાવવાની યોજના છે. આ ઉપરાંત, શિક્ષણના સ્તરને વધુ ઊંચું લાવવા માટે આ જ વર્ષે શહેરમાં બે નવી 'કન્સેપ્ટ શાળાઓ' પણ શરૂ કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Vadodara: પાદરાના સાધી ગામે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો