બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી દ્વારા કરવામાં આવેલી એક ચેલેન્જ બાદ ડેરીનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ડેસર APMC ના પૂર્વ ચેરમેન રાજેશ પટેલે કુલદીપસિંહ રાઉલજી પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. રાજેશ પટેલે ખુદ પોતે બોગસ મતદાનનો ભાગ બન્યા હોવાનું સ્વીકારીને સનસનાટી મચાવી છે.


કુલદીપસિંહ રાઉલજી બોગસ મતદન કરાવતા હતા : રાજેશ પટેલ

રાજેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, કુલદીપસિંહ રાઉલજી દૂધ મંડળીઓમાં બોગસ મતદાન કરાવતા હતા અને તેમના કહેવાથી મેં પોતે પણ બોગસ મતદાન કર્યું હતું. હું પોતે પણ બોગસ મતદાનનો ગુનેગાર છું. આ નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઉપરાંત, રાજેશ પટેલે બરોડા ડેરીના વહીવટ પર પણ પ્રશ્નાર્થ ઊભા કરતા આક્ષેપ કર્યો કે, બરોડા ડેરીમાં નાણાં લઈને પ્રમોશન આપવામાં આવે છે. અમે આરોપ નથી લગાવતા, પણ આ હકીકત કહી રહ્યા છીએ. તેમણે કુલદીપસિંહ દ્વારા રાજદીપસિંહ પ્રત્યે 'ફન્ટર' શબ્દનો પ્રયોગ કરવાને 'નિમ્ન ભાષા' ગણાવ્યો હતો.

‘હું દૂધ ન ભરતો હોવા છતાં સભાસદ બન્યો હતો : રાજેશ પટેલ

પોતાના સભાસદ બનવા અંગે રાજેશ પટેલે કબૂલ્યું કે, હું દૂધ ન ભરતો હોવા છતાં સભાસદ બન્યો હતો. તેમણે ઉમેર્યું કે, કુલદીપસિંહે જ તેમને ડેસરમાં પ્રમુખ બનાવ્યા હતા. રાજેશ પટેલે આ સમગ્ર મામલે પોલીસ અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવે તો બધું સાફ થઈ જશે તેમ જણાવ્યું હતું. તેમણે કુલદીપસિંહને સીધી ચેલેન્જ ફેંકતા કહ્યું કે, ડેરીની આ ચૂંટણીમાં કુલદીપસિંહ ઊભા રહીને બતાવે. કુલદીપસિંહ ડેસરમાં ડિરેક્ટર પદે લડી બતાવે. આ વખતે કુલદીપસિંહને ઘેર ભેગા કરીશું." આ ગંભીર આક્ષેપો બાદ બરોડા ડેરીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.


  • Follow us on: