વડોદરામાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક વધી છે અને તેની સપાટી 211.59 ફૂટે પહોંચી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડ પર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે હાલમાં વડોદરાના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે ખાતરી આપી છે કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણપણે સક્ષમ છે.
આજવા સરોવરનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ પર
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં વરસાદનું મોનિટરિંગ કરવા માટે હાલોલ એડમિનિસ્ટ્રેશન સાથે સતત સંપર્કમાં રહીને સંકલન જાળવવામાં આવી રહ્યું છે. આજવા સરોવરમાં આવતું પાણી પ્રતાપપુરા સરોવર થઈને આવે છે. કમિશનરે કહ્યું કે ફ્લડ મેનેજમેન્ટની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે અને સરોવરનું વોટર લેવલ નિયમ પ્રમાણે જાળવી રાખવામાં આવી રહ્યું છે. તેમણે એ પણ ઉમેર્યું કે પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં કાંસ અને નાળાની સફાઈ થઈ હોવાથી પાણી સરળતાથી ઉતરી જશે અને જળબંબાકાર જેવી સ્થિતિ નહીં સર્જાય.
મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનું નિવેદન
કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે અમે 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત કામગીરી કરી રહ્યા છીએ અને પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આમ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં અને સાવચેતીને કારણે શહેરીજનોને હાલ કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.