રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સપાટો બોલાવ્યો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે આરોગ્ય વિભાગની 4 થી 5 ટીમોએ શહેરના અનેક વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન કાજુ કતરી, પેંડા, મોહનથાળ સહિતની વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.


સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા

આ તમામ સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેની ગુણવત્તા અને સલામતીની ચકાસણી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કલર અને કેમિકલની પણ તપાસ કરવામાં આવી હતી. તહેવારોના સમયમાં ઘણીવાર વેપારીઓ દ્વારા મીઠાઈને આકર્ષક બનાવવા માટે હાનિકારક કલર અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે.

છેલ્લા દસ દિવસથી ચેકિંગ ચાલી રહ્યું હતું

આરોગ્ય વિભાગનો મુખ્ય હેતુ આવા દૂષિત ઉત્પાદનોને અટકાવવાનો હતો. વડોદરામાં છેલ્લા દસ દિવસથી ચેકિંગ ચાલી રહ્યું હતું અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. પાલિકાની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કોઈ સેમ્પલ અયોગ્ય જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોના આ માહોલમાં નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળે તે માટે આ પગલાં ભરવામાં આવી રહ્યા છે.


  • Follow us on: