વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલા આજવા રાયણ તલાવડી ગામની સીમમાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. અહીં મોડી સાંજે એક દીપડાએ બે પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાંજના સમયે એક પશુપાલક પોતાના પશુધનને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડાએ પશુઓના ટોળા પર હુમલો કરી દીધો હતો.
દીપડાએ બે વાછરડીઓનું કર્યું મારણ
પશુપાલકની નજર સામે જ દીપડાએ બે વાછરડીઓને દબોચી લીધી અને તેમનું મારણ કર્યું હતું. પોતાનું મારણ કર્યા બાદ દીપડો તુરંત જ નજીકની ઝાડીઓમાં ભાગી ગયો હતો. આજવા નજીકના જંગલ વિસ્તારની આસપાસની ઝાડીઓમાં દીપડાના પરિવારનો વસવાટ છે. આ વિસ્તારમાં પશુપાલકોને દીપડો દિવસ દરમિયાન પણ અનેક વખત દેખાઈ આવ્યો છે. થોડા દિવસો પહેલાં જ સમી સાંજે દીપડાનો એક આખો પરિવાર રાયણ તલાવડી પાસે નીકળ્યો હતો.













