વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આજે બપોર બાદ હવામાનમાં એકાએક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રવર્તી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ડેસર તાલુકાના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદની શરૂઆત થતાં પહેલાં આકાશમાં કાળા ડિબાંગ જેવા વાદળો ચડી આવ્યા હતા. આ સાથે જ ભારે પવન ફૂંકાવવા લાગ્યો હતો. જેના કારણે માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.
ડેસરના ઉદલપુરમાં ધોધમાર વરસાદ
ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટી જતાં હાઈવે અને માર્ગો પરના વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને ધૂળના કારણે સાઈડમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. થોડા સમયના વાવાઝોડા બાદ ડેસર તાલુકાના ઉદલપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે ગરમીમાં પરસેવે રેબઝેબ થયેલા તાલુકાવાસીઓને ઠંડકનો અહેસાસ થયો હતો અને ઉકળાટમાંથી રાહત મળી હતી.













