વડોદરા શહેરમાં માળી સમાજના સ્મશાનની હાલત ખસ્તા હોવાના કારણે રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા સ્મશાનને વિકસિત કરવાની માગ માળી સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. મુજમહુડા વિસ્તારમાં વિશ્વામિત્રીના કાંઠે માળી સમાજનું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં પ્રથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જે કારણે માળી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્મશાનમાં ઐતિહાસિક સમાધીઓ આવેલી છે.
વડોદરા શહેરમાં આવેલા મુજમહુડા વિસ્તારમાં વિશ્વા મિત્રી નદીના કિનારે માળી સમાજનું સ્મશાન આવેલું છે. આ સ્મશાનને ડેવલપ કરવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, આ સ્મશાન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. આ સ્મશાનમાં દારુની ખાલી બોટલો અને દેશી દારૂ પોટલીઓ મળી આવી છે. આ સ્મશાન મહારાજ સયાજીરાવ ગાયકવાડના સમયનું છે. આ સ્મશાનમાં ઐતિહાસિક સમાધીઓ આવેલી છે.
વડોદરા શહેરમાં ઘણા સ્મશાન રિડેવલપ કરવામાં આવ્યા છે. આવામાં તંત્ર આ સ્મશાનમાં પણ પાયાની સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવે તેવી માંગ માળી સમાજના લોકોએ કરી છે. લોકોના જણાવ્યા અનુસાર, સ્મશાનમાં લાકડા કે પાણીની વ્યવસ્થાનો પણ અભાવ છે.
ચિતા, લાકડા અને પાણીની વ્યવસ્થા કરવાની માંગ
માળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ સ્મશાન 150 વર્ષ જૂનું ગાયકવાડી સ્ટેટ સમયનું છે. તંત્ર દ્વારા માળી સમાજના સ્મશાનમાં લાકડા, પાણી અને સ્મશાન ભઠ્ઠીની સુવિધા આપવામાં આવે તેવી અમારી માંગ છે. આ સ્મશાન હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. આ સ્મશાનમાં ડ્રગ્સ, દારૂ અને અન્ય નશાખોરીની પ્રવૃતિઓ કરી રહ્યા છે. ત્યારે જો આ સ્મશાન ડેવલપ થશે તો યુવાનો નશાના રવાડે ચડતા અટકશે. માળી સમાજના સ્મશાનમાં મૃતદેહ સળગાવવા માટે ચિતા, લાકડા અને પાણીની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા તંત્ર તાત્કાલિક કરે તેવી માંગ સમાજના આગેવાનોએ કરી છે.