મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી પાંખો આપવા માટે વડોદરા શહેરમાં 'રિજનલ વાયબ્રન્ટ સમિટ'નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને આ હાઈ-પ્રોફાઈલ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મહેસાણા, રાજકોટ અને સુરતની ભવ્ય સફળતા બાદ મધ્ય ગુજરાતના હૃદય સમાન વડોદરામાં આ સમિટ યોજાઈ રહી છે, જે આખા ક્ષેત્રના આર્થિક અને ઔદ્યોગિક ચિત્રને બદલી નાખશે.


રાજ્યમાં 8 નવી સ્માર્ટ GIDCની જાહેરાત, 3671 એકરમાં થશે નિર્માણ

આ સમિટના મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગજગત માટે એક બહુ મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. રાજ્યના 8 મહત્વના શહેરોમાં કુલ 3,671 એકર જમીન પર અત્યાધુનિક 'સ્માર્ટ GIDC' બનાવવામાં આવશે. આ સ્માર્ટ GIDCના માધ્યમથી ગ્લોબલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે, જેથી નવા રોકાણો આકર્ષી શકાય અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ શકે.

દુનિયાના 7 દેશોના રાજદ્વારીઓ અને ઉદ્યોગપતિઓ બન્યા વાયબ્રન્ટના મહેમાન

વડોદરામાં યોજાયેલી આ સમિટ વૈશ્વિક ફલક પર ચમકી છે. સમિટમાં અમેરિકા, જાપાન, યુક્રેન અને આયર્લેન્ડ સહિત દુનિયાના 7 અગ્રણી દેશોના રાજદ્વારીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓના ઉદ્યોગપતિઓએ ખાસ ભાગ લીધો છે. વિદેશી પ્રતિનિધિઓની આ વિશાળ ઉપસ્થિતિ દર્શાવે છે કે, વૈશ્વિક સ્તરે ગુજરાત આજે પણ રોકાણકારો માટે પહેલી પસંદ છે.

અત્યાર સુધીમાં રૂ. 13 લાખ કરોડથી વધુના MOU, PM મોદીના વિઝનની પ્રશંસા

સમિટને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલની જરૂરિયાતનો વિચાર આજે જ કરવો પડે અને એવું દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માધ્યમથી મળ્યું છે. તેમણે ગર્વભેર જાહેર કર્યું હતું કે, વાયબ્રન્ટના માધ્યમથી અત્યાર સુધીમાં પ્રચંડ રૂ. 13 લાખ કરોડથી વધુના MOU થઈ ચૂક્યા છે. વડાપ્રધન મોદીએ ગુજરાતને જે 'વેપારી રાજ્ય'ની ઓળખ આપી હતી, તે આજે બદલાઈને 'ગ્લોબલ ગેટવે ઓફ ફ્યુચર' બની ગયું છે. મોદીજીએ જ આ ધરતી પરથી 'લોકલ ટુ વોકલ' અને 'વોકલ ટુ ગ્લોબલ'નો મંત્ર આપ્યો હતો જે આજે સાકાર થઈ રહ્યો છે.


મધ્ય ગુજરાત વિકાસનું હૃદય: વડોદરા, આણંદ અને ખેડાની તાકાતનો ઉલ્લેખ

મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાના ભરપૂર વખાણ કરતા તેને રાજ્યના વિકાસનું 'હૃદય' ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડોદરા શહેર પેટ્રોકેમિકલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ ઇક્વિપમેન્ટ્સ અને એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ બની રહ્યું છે. જ્યારે આણંદ દેશનું 'મિલ્ક કેપિટલ' છે અને ખેડા જિલ્લો ફૂડ પ્રોસેસિંગના દેશભરના હબ તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે જ ધોલેરા દેશનું પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી અને ગિફ્ટ સિટી ફિનટેકનું વૈશ્વિક ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે.

તાજેતરમાં જાહેર થયેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અંગે મહત્વની વાત

ઉદ્યોગોને રેડ કાર્પેટ આપવાની સરકારની નીતિ સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં સીંગલ વિન્ડો સિસ્ટમ ખૂબ જ સફળતાપૂર્વક કાર્યરત છે. વધુમાં, તાજેતરમાં જ જાહેર કરાયેલી નવી 'ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026' અંતર્ગત ઇતિહાસમાં પ્રથમવાર ઉદ્યોગોને પોતાના ઇન્સેન્ટિવ જાતે નક્કી કરવાની સ્વાયત્તતા અને અદભુત પોલિસી આપવામાં આવી છે, જે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના યોગદાનને સુવર્ણ અક્ષરે અંકિત કરશે.


આ પણ વાંચો - Vadodara: CMના હસ્તે 'રિજનલ વાયબ્રન્ટ સમિટ' નો ભવ્ય પ્રારંભ, સ્વદેશી C295 એરક્રાફ્ટે ભરી સફળ ઉડાન-હર્ષ સંઘવી


  • Follow us on: